મિત્રતામાં જરૂર પડે ત્યારે ઉછીના પૈસાની લેવડ દેવડ થતી હોય છે. અને વિશ્વાસથી સમયસર એ પૈસાની ચુકવણી પણ થઈ જતી હોય છે. પરંતુ ઘણી વખત મિત્રતામાં ઉછીના પૈસા આપવા એ પણ ભારે પડી જતું હોય છે. અને પછી સબંધ તો બગડે જ છે પણ ના થવાનું પણ થઈ જતું હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં સામે આવ્યું છે. જ્યાં એક મિત્રએ તેના મિત્રને 3000 રૂપિયા ઉછીના આપ્યા હતા. અને તે પરત માંગ્યા તો પેલા મિત્રએ પૈસા આપવાને બદલે ખુદના મિત્રની હત્યા કરી નાખી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 33 વર્ષની ઉંમરનો અઝરૂદ્દીન શેખ અમદાવાદના પીરાણા પાસે આવેલ સુરેજફામમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા મહિના પહેલા અઝરૂદ્દીન શેખે તેના મિત્ર બાદશાહ ખાનને પૈસાની જરૂર પડી હતી તો અઝરુદ્દીને તેને 3,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારે આ ગતરોજ મોડી રાત્રે ફતેવાડી વિસ્તાર ખાતે આવેલી નૂર ફતે મસ્જિદ પાસેથી બાદશાહ ખાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અઝરુદ્દીને તેને રોક્યો હતો. અને તેની પાસેથી પોતે ઉછીના આપેલા 3000 રૂપિયા પરત માંગ્યા હતા. જેના કારણે બાદશાહ ખાને અઝરુદ્દીન સાથે ઝગડો કર્યો હતો. અને આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આરોપી બાદશાહ ખાન, શાદાબ ખાન, સોહેલ ખાન અને સૈજુ ખાને ભેગા થઈને અઝરુદ્દીનને છરી ના ઘા મારી દીધા હતા. જેના કારણે અઝરુદ્દીન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને ઘટના સ્થળ પર જ અઝરુદ્દીનનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:વીડિયો જોતી વખતે સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થતા 8 વર્ષની બાળકીનું મોત
નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને હત્યારા બાદશાહ ખાન, શાદાબ ખાન સૈજુ ખાન અને સોહેલ ખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અઝરુદ્દીન અને આરોપી એકબીજાના મિત્રો છે.
ઉલ્લેખનીય છે કે, મિત્રોએ માત્ર 3,000 રૂપિયા જેટલી રકમની લેતીદેતીમાં પોતાના જ મિત્રનો જીવ લઈને તેના આખા લરીવારને નિરાધાર બનાવી દીધો છે. ત્યારે હવે આ પરિવારને જલ્દીથી ન્યાય અપાવવા માટે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.