GujaratMehsanaNorth Gujarat

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વડનગરનો યુવક ચિઠ્ઠી લખીને આપઘાત કરવા નીકળી ગયો, પોલીસ થઈ દોડતી

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ માં સતત વધારો થઈ રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસ ના કારણે અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગરમાં એવી જ ઘટના સામે આવી છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવક ચિઠ્ઠીમાં આપઘાત કરવા જઉં છું કહીને ઘરેથી નીકળી ગયો છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વડનગરમાં વસવાટ કરતો હેમંત પ્રજાપતિ નામનો એક યુવક દરજી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા હેમંત પ્રજાપતિ દુકાને જઉ છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી પણ હેમંત ઘરે પાછો ના આવતાં પરિવારજનોએ હેમંતની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પરિવારજનો દુકાન પર પહોંચ્યાં તો દુકાન પણ બંધ હતી. સતત 2 દિવસ સુધી શોધખોળ કર્યા પછી લન હેમંત મળી ના આવતા તેના પરિવારજનોએ દુકાન ખોલી હતી. ત્યારે પરિવારજનોને હેમંતે લખેલ એક ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી વાંચીને હેમંતના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

ચિઠ્ઠીમાં હેમંતે જણાવ્યું હતું કે,  વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને હું હેમંત પ્રજાપતિ આપઘાત કરવા જઈ રહ્યો છું, હું અત્યારે કોઈનું પણ નામ લખી રહ્યો નથી. બે દિવસની અંદર બધા જ લોકોના નામ સાથે એક કાગળ કવર પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.

મહેરબાની કરીને મારા પરિવારના લોકોને કોઈએ પરેશાન કરવા નહિ. મારી બોડી મળે ત્યારબાદ વીમાના જે પણ પૈસા પાસ થાય તે બધાને આપવા. અને બાદમાં હેમંતે ચિઠ્ઠીમાં તેના પરિવારજનોની માફી માંગી હતી. તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અને હેમંતની શોધખોળ હાથ ધરી છે.