GujaratSouth GujaratSurat

રિલ બનાવીને સોશિયલ મીડિયામાં રાતોરાત ખ્યાતિ મેળવવા યુવાનોએ ન કરવાનું કર્યું, પોલીસના હાથે ઝડપાયા

સુરત શહેરના અલથાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરફોડ ચોરીના નોંધાયેલા ગુનામાં 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ આ ઈસમો પાસેથી કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં રિલ બનાવીને રાતોરાત ખ્યાતિ મેળવવી હતી. જેથી રિલ બનાવવા માટે થોડા સારા કપડાં તેમજ ઘડિયાળની જરૂર હોવાના કારણે તેમણે આ ચોરી કરી હતી. તેઓ સોના ચાંદીના દાગીના ચોરી કર્યા પછી તેને વેચવા માટે ઉત્તર પ્રદેશ સુધી જતા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક બંગલા ના ધાબા ઉપરથી બારી ખોલી ફિલ્મી ઢબે રૂમમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલા તમામ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે 30 જૂનના રોજ આ ઘટનાને લઈને નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મકાનની આસપાસ જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા તે તમામ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. ત્યારે સીસીટીવીમાં ચોરીની સમગ્ર ઘટના  ઘટના કેદ થઇ હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લાગી હતી અને વધુ તપાસ કરતા ખબર પડી કે આરોપીઓ ઉત્તર પ્રદેશ ખાતે જતા રહ્યા છે.

નોંધનીય છે કે, માહિતીના આધારે  પોલીસની એક ટીમ આરોપીઓની શોધખોળ કરવા માટે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલા મુસાનગર નયા પુરવા નામના ગામ ખાતે પહોંચી હતી. તે સમયે પોલીસે ત્યાં બંટી જયસિંહ રાજપુત,વિમલસિંહ ઉર્ફે ભોલાસિંગ મહેન્દ્રસિંહ ઠાકુર,બીનુકુમાર ગંગાપ્રસાદ કેવડ, સજ્જન છૂટેલાલ કેવટ  એમ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં રિલ બનાવીને આરોપીઓ રાતોરાત પ્રખ્યાત થઈ જવા માંગતા હતા. અને તે માટે તેમને સારા કપડાં તેમજ ઘડિયાળની જરૂર હોવાને કારણે આ યુવાનો ચોરીના રવાડે ચડ્યા હતા. આ આરોપીઓ ચોરી કરેલા માલ સામાનને ઉત્તર પ્રદેશ ખાતે જઈને ત્યાં વેચી દેતા અને તેના રોકડા રૂપિયા લઇ તેઓ તેમના મોજ શોખ પૂરા કરતા તેમજ રિલ બનાવવા માટે જરૂરી એવી તમામ ચીજ વસ્તુઓ લેતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.