GujaratJamnagar

પ્રતિબંધિત ચાઈના લસણ વેચાણ માટે આવતા જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ નોંધાવ્યો વિરોધ

રાજ્યમાં હાલ ટામેટા પછી લસણ ના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે જામનગર જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઈના નું લસણ વેચવા આવતા  ભારે વિવાદ સર્જાયો છે. વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવેલા ચાઈનાના લસણ નો  વિરોધ કરીને તે લસણને પરત મોકલ્યું છે. વેપારીઓએ આશરે સવા લાખ રૂપિયા કિંમતની લસણની ખરીદી ન કરીને ચાઇનાના લસણ નો વિરોધ  નોંધાવ્યો હતો. ઉપરાંત સરકારને અપીલ કરી હતી કે દેશના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે સરકારે તકેદારી રાખવી જોઈએ.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના હાપા માર્કેટ યાર્ડમાં 50 ગુણી જેટલો ચાઇનાના લસણ નો માલ પરત મોકલવામાં આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં ચાઇનાનું લસણ વેચાણ માટે જામનગર ના હાપા યાર્ડમાં આવ્યું હતું. આ વાત વેપારીઓને ધ્યાને આવતા જ તેમણે તરત જ આ હરાજીનો વિરોધ નોંધાવીને લસણ પરત મોકલ્યું હતું.

નોંધનીય છે કે, ચાઇનાના લસણ ના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઇના આ લસણને ફ્રી ડ્યુટી થી દુબઈ મારફતે ભારતમાં ઘૂસાડી રહ્યું છે, અને બાદમાં મુંબઈ ખાતેથી આ લસણ ભારતના જુદા જુદા વિસ્તારોમાં તેમજ યાર્ડ ખાતે  વેચાણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસોના ખૂબ જ સારા એવા ભાવ મળતા હોવાથી અહીં અનેક ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવતા હોય છે. જેના ભાગરૂપે 247 જેટલા ખેડૂતો બે દિવસ પહેલા મગફળી, કપાસ, અજમો, એરંડા, જીરું અને તલ સહિતની જણસોના વેચાણ માટે આવ્યા હતા. જેને લઈને યાર્ડમાં જુદી જુદી 8,867 જેટલી જણસ ઠલવાઈ હતી. જેમાં લસણ અને ઘઉની આવક સૌથી વધુ થવા પામી હતી. યાર્ડમાં 2,673 મણ લસણ ઠલવાયું હતું.