GandhinagarGujarat

ગાંધીનગરમાં સર્જાઈ દુર્ઘટના : સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતા પાંચ લોકો ડૂબ્યા, ત્રણના મોત

ગાંધીનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સવાર ના દશામાની મૂર્તિ પધરાવવા જતા સાબરમતીમાં પાંચ લોકો ડૂબી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. તેના લીધે ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઇ ગયો હતો. સવારના આજે સેક્ટર-30 માં સાબરમતી નદીમાં પાંચ લોકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મહિલા અને કિશોરી સહિત ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે લોકો નો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે તપાસ બાદ પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા. મંગળવારના રોજ દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ રાત્રીના જાગરણ રહેલું હતું. ત્યાર બાદ માતાજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. એવામાં વ્રત પૂર્ણ થયા બાદ જાગરણ બાદ દશામાની મૂર્તિ ના વિસર્જન દરમિયાન ગાંધીનગર સેક્ટર-30 માં સાબરમતી નદીમાં માતાની મૂર્તિ પધરાવતા સમયે પાંચ લોકો નદીમાં ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ફાયર વિભાગને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. તેમના દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી ને ડૂબેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એવામાં ઘટનાસ્થળ પર સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

તમને જણાવી દઈએ કે, સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ પધરાવવા માટે એક પરિવાર ગયેલો હતો. તે સમયે નદીમાં મૂર્તિ પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબતા તેને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે લોકોને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો નદીમાં ડૂબી ગયા હતા. બચાવવા માટે બે લોકોને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં અમદાવાદના 30 વર્ષીય અજયભાઈ વણજારા, 34 વર્ષીય ભારતીબેન પ્રજાપતિ અને 12 વર્ષીય બાળકી પૂનમ પ્રજાપતિ સાબરમતી નદીમાં ડૂબી જવાના લીધે મૃત્યુ નીપજ્યું છે. પોલીસ દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા.