માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : રાજકોટમાં ખુલ્લી ટાંકીમાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું કરુણ મોત
રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના મોટામવા વિસ્તારમાં આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં ટાંકામાં ડૂબી જવાના લીધે ત્રણ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સર્જાતા સોસાયટીમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરનાર નેપાળી પરિવારની બાળકીનું પાણીના ટાંકામાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી મુજબ, આ નેપાળી પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં રહેતો હતો અને પાણીનો ટેન્કર ખાલી કરીને ટેન્કર ચાલક ઢાંકણું ખાલી મૂકી ચાલ્યો ગયો હતો. તેના લીધે આ દર્દનાક ઘટના ઘટી હતી. જાણકારી મુજબ રમતા રમતા બાળકી ખુલ્લી ટાંકીમાં પડી ગયું હતું.
તમને જણાવી દઈએ કે, એવામાં પરિવાર કામ અર્થે એપોર્ટમેન્ટમાં ગયેલો હતો. ત્યારબાદ મોડી સાંજના પરિવાર ઘેર આવ્યો અને બાળકી જોવા ના મળતા તેની તપાસ શરુ કરવામાં આવી હતી. ત્યાર બાદ પાણીની ટાંકી ખુલ્લી જોવા મળતા ત્યાં તપાસ કરવામાં આવી તો બાળકી તેમાં ડૂબેલી જોવા મળી હતી. તેના લીધે પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.