AhmedabadGujarat

મેશ્વો કેનાલ મા ન્હાવા પડેલા હાથીજણના બે કિશોરોનું ડૂબી જવાથી મોત, પરિવાર શોકમાં ગરકાવ

ખેડા જિલ્લાના મહિજ નામના ગામની સીમમાંથી પસાર થતી મેશ્વો કેનાલમાં નહાવા માટે પડેલા અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારના બે કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કિશોરો કેનાલમાં ડૂબી ગયા છે તેવી જાણ થતા જ તેમના માતા-પિતા,ત્યાંના તલાટી, સરપંચ, પોલીસ તેમજ કેનાલ વિભાગના અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સવારે 12 વાગ્યે કેનાલમાં ડૂબી ગયેલા બે કિશોરોને પણ કલાકની ભારે જહેમત બાદ તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ખેડા પોલીસે કેનાલમાં ડૂબી ગયેલા બંને કિશોરના મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે ખેડા સિવિલ ખાતે ખસેડીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના હાથિજણ વિસ્તાર ખાતે આવેલ રાધેશ્યામ હાઉસિંગ બોર્ડ માં વસવાટ કરતા 17 વર્ષીય મોહિત કુમાર કેદાર પ્રસાદ ભગત, 16 વર્ષીય જયસ્વાલ પ્રાંજલ અજયભાઈ અને સચિન જેસંગભાઈ રાજપૂત આ ત્રણેય મિત્રો મોપેડ લઈને તેમના ઘરેથી ગેરતપુર ખાતે મોહિત નું 10માં ધોરણનું રિઝલ્ટ લેવા માટે નૂતન સ્કૂલમાં ગયા હતા.  રિઝલ્ટ લઈને આ ત્રણેય મિત્રો ઘરે જવાના બદલે ખેડા જિલ્લાના મહિજ નામના ગામથી પસાર થતી મેશ્વો કેનાલ પર સવારે 11:00 વાગ્યે ગયા હતા. પહેલા તો આ ત્રણેય કિશોરો નહાવા માટે ત્યાં નાની કેનાલમાં પડ્યા હતા અને થોડીવાર પછી તે લોકોએ બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા જવાનું મન બનાવ્યું હતું. મોટી કેનલામાં પાણીનું પ્રમાણ બહુ હોવાથી સચિન તે કેનાલમાં ન્હાવા ગયો ન હતો. તેથી સચિન એકલો બહાર બેસી રહ્યો અને બાકીના બે મિત્રો મોહિત અને પ્રાંજલ મહોતી કેનાલમાં નહાવા માટે પડ્યા હતા. જોકે થોડીવાર પછી સચિને કેનાલમાં જોયું તો તેના બંને મિત્રો ગાયબ થઈ જતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી ત્યાંના સ્થાનિક લોકો તરત ન સચિનની બમ સાંભળીને ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં આ ઘટનાની જા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવી હતી. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પાંચ કલાકની ભારે જહેમત બાદ કેનાલમાં ગુમ થયેલા બંને કિશોરોની મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા.

નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ મૃત્યુ પામેલ બંને કિશોરોના માતા-પિતા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે બંને કિશોરોના મૃતદેહો જોઈને તેમના માતા પિતા પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. અને ઘટનાસ્થળ પર ગમગીની વ્યાપી ગઇ હતી.