VadodaraGujarat

વડોદરામાં ચકચાર મચાવનાર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો, એડવોકેટ ઉત્કર્ષ દવેએ જાહેર હિતની કરી અરજી

વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલામાં એક મોટી જાણકારી સામે આવી છે. હરણી બોટ કાંડમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા વડોદરા બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલા ભરવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરીવાર વતી લડતા એડવોકેટે હરણી બોટ દુર્ઘટના બાબતમાં સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી છે.

તેની સાથે હરણી બોટ દુર્ઘટનામાં તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા કરવામાં અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ડિઝાસ્ટર મેનજમેન્ટ હેઠળ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર રહેલા છે. તે કારણોસર વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદેસરના પગલા ભરવા જોઈએ. આ સિવાય પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પરંતુ વધુ વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વડોદરા બોટ કાંડને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાન પર 7 સભ્યોની SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ માટે ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SIT ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તેની સાથે વડોદરા DCP પન્ના મોમાયા અને DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડાનો સભ્ય તરીકે SIT ની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તેની સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના હરણી મોટનાથ લેક ઝોન ખાતે દુઃખદ ઘટના ઘટી છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં ગઈકાલના રોજ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં તપાસ કર્યા બાદ સામે આવ્યું છે કે, કંપનીના 15 લોકો વચ્ચે પાર્ટનરશિપ કરવામાં આવી છે. પાર્ટનરોએ ટકાવારી પ્રમાણે શેર વહેંચી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ કંપનીના ત્રણ ડાયરેકટરોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.