ઘણી વખત સામાન્ય બોલાચાલી ઓન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. અને પછી મોટી દુર્ઘટના ઘટી જતી હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક જ સોસાયટીમાં રહેતા યુવકો વચ્ચે પહેલા ઇંડાની લારી પર બોલાચાલી થઈ અને પછી સમાધાન માટે સોસાયટીની બહાર પાનના ગલ્લા પર ભેગા થયા ત્યારે વધારે ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ મોડી રાત્રીના સમયે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તાર ખાતે આવેલ ફતેવાડી પોલીસ ચોકી નજીક એક જ સોસાયટીમાં રહેતા યુવકો વચ્ચે ઈંડાની લારી પર જમવાની બાબતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારે આ બાબતના સમાધાન માટે સોસાયટીની બહાર આવેલા પાન પાર્લર પાસે સૌ ભેગા થયા હતા. તે દરમિયાન પણ ઉગ્ર બોલાચાલી થતા આરોપી ઇલ્યાસ પંજાબી, તેના ભાઈ રાહીલ અને આસિફ તેમજ દીકરા આયાને મૃતક યુસુફ અલી પર જીવલેણ હુમલો કરતા યુસુફના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે યુસુફને મૃત જાહેર કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, સામાન્ય બોલાચાલીથી થયેલ આ હત્યાના કેસની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને આ સમગ્ર મામલે ગુનો નોંધીને આરીપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલોસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.