વિસનગરમાં ચાઇનીઝ દોરીથી 3 વર્ષની બાળકીનું ગળું કપાતા મોત
ગુજરાતમાં ચાઇનીઝ દોરી ના કારણે મોત અટકવાનું નામ નથી લઇ રહ્યા. વિસનગર શહેરમાં ચાઈનીઝ દોરીથી ત્રણ વર્ષની બાળકીનું ગળું કપાઈ ગયું હતું. બાળકીને લોહીથી લથબથ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. તહેવારના દિવસે જ માસૂમના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
બાળકીની ગરદન પર ઉંડા ઘા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા રણજીતજી ઠાકોરની 3 વર્ષની પુત્રીના ગળામાં ચાઈનીઝ દોરી અચાનક વીંટાઈ ગઈ હતી. દોરીથી બાળકીના ના ગળા પર ઊંડો ઘા થઇ ગયો હતો. બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ લોહી વહી જવાને કારણે બાળકીનું મોત થઈ ગયું હતું.
નડિયાદમાં ગત ગુરુવારે એક યુવકનું મોત થયું હતું.ગુજરાતમાં આ વર્ષે ચાઈનીઝ દોરીના કારણે અનેક મોત થયા છે. આ પહેલા ગુરુવારે નડિયાદમાં યુવકનું ગળું કપાયું હતું. યુવકને બાઇકમાં જ હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ નસ કપાઈ જવાને કારણે તેમનો જીવ બચી શક્યો ન હતો. તેવી જ રીતે સુરત અને વડોદરામાં એક-એકનું મોત થયું છે.