GujaratMehsanaNorth Gujarat

વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે પાણી માટે તરફડિયા મારતા ગામમાં કોઈ દીકરી દેવા નથી તૈયાર

ગુજરાતમાં ઘરે ઘરે પાણી પહોચાડ્યું હોવાના સરકાર ગમે તેટલા દાવા કરીલે પણ ઉનાળાની શરૂઆત થતા જ અનેક જગ્યાઓએ પાણીની મોટી સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલા ગામોમાં પડી રહેલા પાણીની સમસ્યાને લઈને અહીંના ગામોમાં કોઈ છોકરી પરણીને આવવા તૈયાર નથી. કારણકે આ ગામોમાં ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ પાણીના ટેન્કરોથી પાણી પહોંચાડવું પડે છે અને તો પણ અનેક ગામડાઓ પાણી વિના રહી જાય છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ અહીંના ગામડાઓમાં વસતા લોકોની હાલત કફોડી બની જાય છે. અને લોકો પાણી મેળવવા માટે વેરડા ખોદવા મજબૂર બને છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની ઋતુમાં પાટણ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ખૂબ જ અછત સર્જાય છે. ત્યારે આ વર્ષે પણ પાણીની અછતને પગલે અહીં અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની રહી છે. અહીં પાણીની સમસ્યા એટલી મોટી છે કે લોકો પાણી મેળવવા માંગે ખાડા ખોદવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી પાટણ જિલ્લાના સરહદે આવેલા છાણીયાસર નામના ગામમાં વસતા લોકો છેલ્લા ખાડા ખોદીને ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. જેના કારણે લોકો બીમારીનો ભોગ બનતા હોય છે. આ ગામમાં પડતી પાણીની મુશ્કેલી એ સરકારના તમામ પોકળ દાવાઓની પોલ ખોલી નાખે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીની કોઈપણ યોજનાના લાભ આજદિન સુધી અહીં પહોંચ્યા નથી. ગામમાં બનાવેલો બોર પણ ખરાબ હાલતમાં પડ્યો છે. અમે ખાડો ખોદીને પાણી પીવા મજબુર છીએ. દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ ગામમાં પડતી પાણીની સમસ્યાઓને કારણે અહીં કોઈ પોતાની દીકરીને પરણાવવા માટે તૈયાર નથી.

પૂર્વ સરપંચ રામજીભાઈના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા વર્ષોથી પડી રહેલી પાણીની સમસ્યાને લઇને રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી અમારી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. પાણીની સમસ્યાને કારણે ગામની 2000થી પણ વધુ વસ્તી અને અબોલ પશુઓ પરેશાન છે.