રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા ઊભી થઈ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ થવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેસર મધ્યપ્રદેશ સુધી પહોંચતા ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચતા ગુજરાતમાં વરસાદની શક્યતા ઉભી થઈ છે. ગુજરાતમાં 20 થી 22 ઓગસ્ટના રોજ રાજ્યભરના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.
આ સિવાય તેમના દ્વારા જણાવવામાં આવી છે કે, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદના અણસાર રહેલા છે. તેમાં છોટુ ઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર અને અમદાવાદમાં સારા વરસાદની સંભાવના છે. તેમાં પણ 23 તારીખથી રાજ્યમાં મોનસૂન બ્રેક આવી જશે. ત્યાર બાદ રાજ્યમાં વરસાદની શક્યતાઓ ઓછી થઈ જશે.
જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની વધુ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના લીધે રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા ઉભી થઈ છે. આ સિસ્ટમનું વહન મોટા પાયે થતા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિસ્ટમ આગળ વધતા નબળી પડે તેવી શક્યતા રહેલી છે પરંતુ તેની અસરના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે.