નોકરીની સમય પૂર્ણ થયા પછી સાંજે ઘરે જઇ રહેલા એક બેંક કર્મચારીની કારને આંતરીને કેટલાક અજાણ્યા શખ્સોએ પાઇપ તેમજ દંડા વડે બેન્ક કારમીની કારમાં તોડફોડ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કોઇપણ પ્રકારની દુશ્મનાવટ વગર આ પ્રકારે અજાણ્યા શખ્સોએ કારમાં તોડફોડ કરતા હાલ તો અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 58 વર્ષની ઉંમરના હીમાંશુભાઈ શાહ અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સુયોગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંકમાંથી તેમણે સ્વૈચ્છીક રીતે નિવૃતિ લઈ લીધા પછી તે હાલ ખેતી બેંકમાં ઓફીસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે હિમાંશુભાઇને તેમની પત્ની અર્ચનાબેને ફોન કરીને જણાવ્યું કે દીકરાને ખૂબ તાવ આવ્યો છે. જેથી હીમાંશુભાઈ અને તેમના સહકર્મી કિરીટભાઈ પટેલ રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેમના ઘરે જવા માટે કાર લઇને નીકળ્યા હતા. હિમાંશુભાઇ તેમના ઘર પાસે કાર લઇને પહોચ્યા ત્યારે અચાનક એક કાર તેમની આગળ આવીને ઉભી રહી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, હિમાંશુભાઇએ પોતાની કાર ઉભી રાખતા જ ટુ વ્હિલર પર આવેલા 2 શખ્સો હીમાંશુભાઈ હજુ કારમાંથી નીચે ઉતરીને કઈ પણ બોલે તે પહેલા જ ટુ વ્હિલર પરથી પાઇપ લઇને એક શખ્સ નીચે ઉતર્યો અને તરત જ કારમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં સામે ઉભેલી કારમાંથી પણ બીજો એક શખ્સ નીચે ઉતર્યો સને તેણે પણ હીમાંશુભાઈની કારમાં દંડા વડે તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું.કોઈપણ કારમ વગર હિમાંશુભાઇની કારની આ રીતે તોડફોડ કરતા કિરીટભાઇ પટેલ કારમાંથી નીચે ઉતર્યા હતા, ત્યારે ટુવ્હિલર ચાલક અને કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
તમને જણાવી દઈએ કે, હાલતો હિમાંશુ ભાઈએ આ સમગ્ર મામલે પોલીસ કંટ્રોલરુમમાં જાણ કરી હતી. અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને પગલે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ તો આ સમગ્ર મામલે હીમાંશુભાઈની કોઈ જુના દુશ્મન કે કોઈ સાથે ઝઘડો થયેલો હોય અને તે લોકોએ આ ઓરકારનું કૃત્ય કર્યું હોય તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.