આપણી સંસ્કૃતિમાં તો માતા-પિતાનએ ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને છોકરાઓ પણ પોતાના માતા-પિતાની અજ્ઞાનું પાલન માન આપીને કરતા હોય છે. પરંતુ કેટલાક સંતાનો એવા હોય છે કે તેઓ માતા-પિતાને માન અને આદર આપવાનું તો ઠીક પરંતુ પોતાના જ માતા પિતાને મારતા હોવાના કિસ્સા પણ ઘણી વખત સામે આવતા હોય છે. આવું જ કંઈક પાટણમાં સામે આવ્યું છે. જ્યાં એક પુત્રએ પિતા પાસે પૈસા માંગતા પિતાએ ના પાડી તો પુત્રએ પિતાને ગડદા પાટુનો માર માર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 81 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ મનુભાઈ મલાભાઇ વાલ્મિકી પાટણ શહેર ખાતે આવેલ હાંસાપુરમાં દર્શન ગોડાઉનની બાજુમાં જ આવેલા વાલ્મિકીવાસમાં વસવાટ કરે છે. મનુભાઇના દિકરા રાકેશે મનુભાઈ પાસે પૈસા માંગતા મનુભાઈએ પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડી હતી. તેથી રાકેશે ગુસ્સો કરીને તેના પિતાને ગંદી ગંદી ગાળો બોલી તેમજ પિતા મનુભાઈને ગડદાપાટુનો માર માર્યો અને મનુભાઈના પગ પર લોખંડની પાઇપ મારી હતી. ત્યારે રાકેશની દીકરીઓ અને આસપાસમાં રહેતા પાડોશીઓએ રાકેશને તેના પિતાને મારતા રોકીને ત્યાંથી બહાર કાઢ્યો હતો.
નોંધનીય છે કે, રાકેશે લોખંડની પાઇપ મારતા મનુભાઈએ પગમાં ખૂબ લોહી નિકળવા લાગ્યું હતું. જેથી તેમને તાત્કાલિક અસરથી પાટણ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે મનુભાઈએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર રાકેશ પૈસા માટે થઈને અવારનવાર તેમની સાથે ઝઘડો કરતો રહે છે. અને જો પૈસા ના આપીએ તો ઘરમાં રહેલો સામાન પણ રાકેશ વેચી નાંખે છે. તેમજ તેની પુત્રીઓ પર પણ કારણ વગર હાથ ઉપાડે છે.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે મનુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.