AhmedabadGujarat

માતાએ મોબાઈલ છીનવી લેતા દીકરીએ હત્યા કરવાનો બનાવ્યો પ્લાન

આજ કાલના બાળકોને મોબાઇલની લત લાગી જતા તેઓને જો મોબાઈલથી દૂર કરવામાં આવે તો તેઓ ઘણી વખત ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં દીકરી આખો દિવસ મોબાઈલ ફોનમાં રિલ જોવાનું અને ફ્રેન્ડ સાથે ચેટ કરતી હોવાથી માતાએ તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યારે આ વાતનું ખોટું લાગી જતા દીકરીએ માતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર વાતની જાણ માતાને થતા માતાએ અભયમ ટીમની મદદ માંગી હતી. અને અભયમ ટીમે આ સમગ્ર મામલે કાઉન્સેલિંગ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસવાટ કરતી 45 વર્ષની ઉંમરની કાજલ પરમારે (નામ બદલ્યું છે)એ એક દિવસ જોયું કે તેમના ઘરમાં રહેલી ખાંડમાં વાસ મારે છે. તેથી તેમણે આ ખાંડને ફેંકી દીધી હતી. આવું એક નહિ પણ અનેક વખત બનતા કાજલ પરમાર આ બાબતને લઈને સતર્ક થઈ ગઈ હતી. થોડા દિવસ તેણે આ મામલે ધ્યાન આપ્યું તો માલુમ પડ્યું કે તેમની 13 વર્ષની ઉંમરની પુત્રી બાથરૂમ ક્લીનર અને ફિનાઈલ જેવા પદાર્થો ખાંમાં ઉમેરી રહી છે.

નોંધનીય છે કે, દીકરીના આ પ્રકારના વર્તનથી આઘાત પામેલ માતાએ હેલ્પ લાઇન પર ફોન કરીને આ મામલે અભયમ ટીમને જાણ કરી હતી. અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, થોડા દિવસ પહેલા કિશોરી મોબાઈલ વાપરી રહી હતી તે દરમીયાન તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. અને માટે આ દીકરી તેના માતા-પિતાને નુકસાન પહોંચાડવા આ કૃત્ય કરી રહી હતી.

અભયમ હેલ્પલાઇનના જણાવ્યા પ્રમાણે, આ કઇ પહેલીવખત નથી બન્યું. કોરોના મહામારી પહેલા અમને આવા 3-4 કેસો એક દિવસમાં આવતા હતા. પરંતુ આ સંખ્યામાં ત્રણથી ચાર ગણો વધારો છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધાયો છે. તો આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે, કોરોના મહામારીના કારણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું હતું. તેના પરિણામે બાળકોને મોબાઈલ લત લાગવા લાગી અને આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.