શું અહેમદ પટેલના પુત્ર જોડાઈ જશે? સી. આર. પાટીલ સાથે ફોટો આવ્યો સામે
વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અત્યારથી જ સક્રીય થઈ ગઈ છે. ત્યારે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અહેમદ પટેલના પુત્ર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ફોટો સામે આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ફોટો શેર કરીને લખ્યું કે સી.આર. પાટીલજી સાથે છેલ્લા કેટલાંક વર્ષોથી વાતચીત કરી રહ્યો છું. હાલ તો ફૈઝલ અહમદ પટેલ અને સી.આર. પાટીલના ફોટોને લઈને ગુજરાતની રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમજ એવો અંદાજ લગાવવામાં આવજ રહ્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા ફૈઝલ અહમદ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે.
નોંધનીય છે કે, ફૈઝલ પટેલે આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી રવજનડ કેજરીવાલ સાથે પણ ફોટો શેર કરને સોશિયલ મીડિયામાં તેમના ભરપૂર વખાણ કર્યા હતા. તે સમયે પણ સૌને લાગી રહ્યું હતું કે ફૈઝલ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જો કે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા નહતા. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે ફોટો સામે આવતા હાલ તો ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, સૂત્રોના જણાવ્યા અનુસાર ફૈઝલ પટેલ હાલ કોંગ્રેસ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. અને તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થોડા સમય પહેલા તેમની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે આ બધા વચ્ચે ફૈઝલ પટેલનો સી.આર પાટીલ સાથે ફોટો સામે આવતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.