અમદાવાદના વસ્ત્રાલથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન 5 એલસીબી દ્વારા વસ્ત્રાલ પાસેથી ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઝોન 5 LCB દ્વારા દશરથ રાઠોડ નામના વસ્ત્રાલના યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે.
જાણકારી મુજબ, આરોપી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જામીન ઉપર છુટીને નાસતો ફરતો હતો અને તેની સાથે બે શરીર સંબંધી અને છ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ પણ રહેલો હતો. આ સિવાય અમરાઈવાડી વિસ્તારમાં વેપારીને માર મારીને હત્યાના પ્રયાસનો ગુનો પણ તેના પર દાખલ થયેલો હતો. આ ઘટના સીસીટીવી પણ કેદ થઈ ગઈ હતી.
આ સિવાય ઓઢવ, કઠલાલ, રામોલ સહિતના ગુજરાતના ગુનાઓમાં અને રાજસ્થાનમાં ડુંગરપુરના ગુનાઓમાં આરોપી દશરથનું નામ સામે હતું. એવામાં પોલીસ દ્વારા આરોપીને પકડવા સતત તપાસ કરવામાં આવી રહી હતી. જ્યારે અંતે આરોપી પોલીસના હાથે લાગી ગયો છે. હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.