AhmedabadGujarat

અમેરિકા જઈ રહેલા 9 યુવકો સંપર્ક વિહોણા બન્યાના કેસમાં કોર્ટે બે એજન્ટોને સબજેલ મોકલવાનો કર્યો આદેશ, પોલીસ તપાસમાં અન્ય બે એજન્ટોના નામ આવ્યા સામે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ખાતે આવેલ વાઘપુર નામના ગામનો યુવક એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યો પરંતુ ઘણા સમયથી તેની સાથે સંપર્ક ના થતા યુવકની પત્નીએ આ સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. તેથી ફરિયાદના આધારે પોલોસે આ મામલે બે એજન્ટની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં ત્યારે કોર્ટે આ બંને એજન્ટોને સબજેલમાં મોકલવા માટેનો હુકમ કર્યો છે. ત્યારે આ દરમિયાન અમેરિકાના બીજા બે એજન્ટોના નામ સામે આવતા પોલીસે તે મામલે પણ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ખાતે આવેલ વાઘપુર નામના ગામમાં રહેતો ભરત રબારી નામનો યુવક એજન્ટ મારફતે 8 જાન્યુઆરી 2023ના રોજ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યો હતો. ત્યારે તેની સાથે જુદા જુદા જિલ્લાના અન્ય 8 ગુજરાતીઓ પણ એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહ્યા હતા. અને તેઓ સૌ એક બીજાને એજન્ટ મારફતે મળ્યા હતા. ત્યારે ભરત રબારી સહિત 9 ગુજરાતી યુવકો એજન્ટો મારફતે ગેરકાયદેર રીતે અમેરિકા જવા નીકળ્યા તો હતા પરંતુ ઘણા લાંબા સમયથી આ લોકોનો તેમના પરિવાર સાથે સંપર્ક થતો નથી. ત્યારે ભરત રબારીના પત્નીએ આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 2 એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ભરત રબારીના પત્નીની ફરિયાદના આધારે આ મામલે દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ તેમજ ચતુરભાઈ જયરામભાઇ પટેલ આ બંને એજન્ટની ધરપકડ કરીને તેમને શનિવારના રોજ બપોરના સમયે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ મામલે બંને આરોપીઓને સબજેલમાં મોકલવા માટેનો હુકમ કર્યો હતો. તો આ કેસમાં ફરાર થયેલ એજન્ટ મહેન્દ્રભાઈ ઉર્ફે એમ.ડી બળદેવભાઈ પટેલને ઝડપી પાડકે માટે પણ પોલીસે જુદી જુદી ટિમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આ કેસની તપાસમાં પોલીસને અમેરિકા વસવાટ કરતા બીજા બે એજન્ટોના નામ પણ મળી આવ્યા છે. તો જેમાં મૂળ ગાંધીનગર જિલ્લાના ધવલ પટેલ તેમજ મૂળ આણંદ જિલ્લાના પેટલાદનો વિજય પટેલ કે જેઓ બંને હાલ અમેરિકા રહે છે તેમનું નામ આ કેસમાં સામે આવ્યુ છે. તો આ બને ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને હાલ અમેરિકામાં રહે છે. ત્યારે અમેરિકામાં વસવાટ કરતા આ બંને એજન્ટો સામે પ્રાંતિજ પોલીસે લુક આઉટ નોટીસ કાઢવા માટેની કાર્યવાહી પણ તેજ કરી છે.