GujaratJamnagarSaurashtra

જામનગરમાં જમીન વિવાદમાં 65 વર્ષીય વૃદ્ધની હત્યા, વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી કાર ચડાવી દીધી

જામનગરથી જમીન વિવાદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલામાં ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી તેના પર જીપ ફેરવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલામાં આ જ વિસ્તારમાં રહેનાર ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વૃદ્ધના દીકરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારા પિતાની હત્યા જમીન વિવાદમાં કરવામાં આવી છે. મેઘપર પોલીસ દ્વારા હત્યા નો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના વૃદ્ધની વાત કરીએ તો તે લંડનમાં રહેતા તેમના ફઈબાની જમીનની સાર સંભાળ રાખીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમ છતાં હાલમાં જમીનનો કબજો ભીખાભાઈ પાસે રહેલો હતો. આ જમીનના કબજાની બાબતમાં સાપર ગામનાં બલદેવ સવદાસભાઈ ગોરાણીયા, સંજય સવદાસભાઈ ગોરાણીયા અને તેના સાગરીત દ્વારા મૃતક ભીખાભાઈ બધાભાઈ કેશવાલા પર રાત્રીના સમયગાળામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન ભીખાભાઈ નીચે પડી ગયા હતા. તે દરમિયાન ત્રણેય આરોપીઓ દ્વારા જીપમાં બેસીને ભીખાભાઈ પર જીપ ફેરવી દેવામાં આવી હતી. તેના લીધે ભીખાભાઇનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. તેના લીધે આ બનાવ હત્યામાં ફેરવાઈ ગયો છે.

જ્યારે ઘટના સર્જી આ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં મૃતક ભીખાભાઈ ના પુત્ર ભરત ભીખાભાઈ કેશવાલા દ્વારા મેઘપર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓ સામે પોતાના પિતાની હત્યા મામલામ તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.