કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો રિપોર્ટ કોરોના પોઝિટિવ, આજે જ CM રૂપાણી ને મળ્યા હતા
જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. કેમ કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓને પણ મળ્યા હતા. ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ક્વોરેન્ટાઇન થશે કે કેમ એ સવાલ છે.
આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ ખતરામાં આવી શકે તેમ છે. ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર અને અધિકારીઓને પણ મળ્યા હતા.
અમદાવાદના કોટ વિસ્તારમાં શાહપુર, કારંજ, દરિયાપુર, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં આવતીકાલ સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ લગાવવામાં આવશે.તમામ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કર્ફ્યૂના સમય દરમિયાન બપોરે 1 થી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓ જ દૂધ, અનાજ, કરિયાણું જેવી વસ્તુઓ લેવા જઈ શકશે.
અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા હતા. મિટિંગમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર હતા.