ઘણા લોકો પોતાની ગાડીમાં પોતાનો લક્કી નંબર લગાવતા હોય છે. અને તે માટે લોકો મો માંગી કિંમત પણ ચૂકવતા હોય છે. ત્યારે કચ્છ જીલામાં RTOની નવી વાહન સિરીઝમાં 9 નંબરનો આંકડો લેવા માટે એક ગાડીના માલિકે રૂપિયા 18.45 લાખની બોલી લગાવી છે. ત્યારે 10 થી 12 લાખ રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતી હોન્ડા વેન્યુ કાર માટે આ 18.45 લાખ રૂપિયા આપીને પસંદગીનો નંબર મેળવાયો હોવાની ખબરથી આ સમાચાર કચ્છમાં ચર્ચાના સ્થાને રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નવુ વાહન ખરીદ્યા ઘણા લોકો વાહનના રજિસ્ટ્રેશન સમયે પોતાને ગમતો કે લકી નંબરની માંગણી કરતા હોય છે. ભુજ RTO કચેરીમાં પણ નવી સિરીઝ GJ 12 FD ખૂલતા તરત જ ફેન્સી નંબર માટે લોકોએ પડાપડી કરી હતી. આ સિરીઝમાં 9નો આંક હોટફેવરિટ રહ્યો હતો જેના માટે એક વાહન માલિકે આ નંબર માટે રૂ. 18.45 લાખ સુધી બોલી લગાવી હતી. ભુજ RTOમાં 9ના આંક મેળવવા માટે આ અત્યારસુધીની હાઈએસ્ટ બોલી હોવાનું માનવામાં આવે છે.
RTO અધિકારી પ્રદીપસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, નવી સિરીઝ ખૂલતાની સાથે જ ઓનલાઇન હરાજીમાં બોલી લગાવવામાં આવી રહી હતી. ત્યારે 9 નંબર માટે 18.45 લાખ રૂપોયાની બોલી લગાવવામાં આવી છે. ઉપરાંત 999 નંબર માટે રૂ. 1.89 લાખ રૂપિયા તેમજ 9999 માટે રૂ.એક લાખની બોલી બોલાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી થતી હોય છે. અને સાંજે 4 કલાકે પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરિણામ જાહેર કરવામાં આવે છે. જો હરાજીમાં નક્કી થયેલી રકમ કોઈ પાર્ટી ના ચૂકવે તો તેની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે.