ગાંધીધામ રખડતા ઢોરનો આતંક યથાવત : બે આખલાની લડાઈમાં એક વૃદ્ધનો ગયો જીવ
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીધામથી સામે આવ્યો છે. ગાંધીધામમાં આખલાની લડાઈની ઝપેટમાં આવી જતા 72 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામની નવી સુંદરપુરીમાં તલાવડી ચોક નજીક આ ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, મૃતક જામાભાઈ વાઘાભાઈ વણક૨ ગાંધીધામની નવી સુંદરપુરીમાં તલાવડી ચોકના રસ્તા પર ચાલી રહ્યા હતા. તે સમયે રસ્તા પર બે આખલા લડાઈ કરી રહ્યા હતા. એવામાં અચાનક એક આખલા દ્વારા જામાભાઈને શીંગડા વળે ઉછાળીને જમીન પર પછાડયા હતા. તેના લીધે તેમને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેમને પરિવારજનો દ્વારા તેમને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર જામાભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
તેની સાથે જામાભાઈના મૃત્યુના લીધે રોષે ભરાયેલા પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ જ્યાં સુધી આ મામલામાં નગરપાલિકાના જવાબદારો અને રામબાગ હોસ્પિટલના તબીબ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેમની પીએમ કરવા દેવા કે અંતિમક્રિયા માટે મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તેના લીધે પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી.
નોંધનીય છે કે, રખડતા ઢોરના લીધે માનવ મૃત્યુ થાય તો સુધરાઈના જવાબદારો વિરુદ્ધ સીધી ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો હાઈકોર્ટ દ્વારા હુકમ ફરમાવવો આવ્યો છે. તેમ છતાં પોલીસ એફઆઈઆર દાખલ કરવા આવી નહોતી. એવી જ રીતે જામાભાઈને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે તબીબો દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમને સામાન્ય ઈજા છે તેમ કહીને ઘરે મોકલી દીધા હતા. તે કારણોસર સારવારમાં બેદરકારી દાખવનારા તબીબ સામે પણ ફરિયાદ નોંધવામાં આવે તે રીતે મૃતકના પરિવાજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના મામલામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસદ્વારા હાલમાં આકસ્મિક મુત્યુની નોંધ લેવામાં આવી છે.