ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના નાપાસ વિધાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ 10 માં પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લઈને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતને વધારી દેવામાં આવી છે. વિધાર્થીઓને હવે 12 જૂન સાંજના 5 વાગ્યા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જ્યારે અગાઉ 8 જૂન એટલે કે આજે ઓનલાઈન ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહેલો હતો. તેની સાથે જો કોઈ વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયો હોય તો બેઝિક ગણિતની પસંદગી સાથે પણ ફોર્મ ભરી શકાશે. જ્યારે બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થી જો સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો ફોર્મ ભરી શકશે.
નોંધનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક અપાશે. દર વર્ષે આ પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવે છે. જયારે એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે અરજી કરવા માટે આઠ જૂન અરજી કરવા માટેની તારીખ હતી. પરંતુ હવે આ તારીખમાં ફેરફાર થતા 12 જૂનના રોજ એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.