AhmedabadGujarat

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુએ નરેન્દ્ર મોદીને લઈને કરી દીધી મોટી વાત

બાગેશ્વરધામના બાગેશ્વર બાબા એટલે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્ય સુરત ખાતે પહોંચ્યા હતા. ત્યારે સુરત એરપોર્ટ પર જગદગુરુ રામભદ્રાચાર્યનું ખૂબ જ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં આયોજિત કરાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું હોય તો 2024માં ફરીથી નરેન્દ્ર મોદીને રીપીટ કરવા જરૂરી છે. કારણ કે નરેન્દ્ર મોદી હાલના તમામ નેતાઓ કરતા સૌથી વધુ ક્ષમતાવાન નેતા છે.

સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્યએ પત્રકારોને જણાવ્યું હતું કે, તેમનો શિષ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ સારો છોકરો છે. તે ખૂબ સારું અને સરસ કાર્ય કરી રહ્યો છે. હું તો કોઈ ચમત્કાર કરતો નથી પણ જો કોઈ ચમત્કાર થઇ રહ્યો હોય તો તેને થવા દો, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી જેવું અત્યારે ભારતમાં કોઈ છે જ નહી, ઓસ્ટ્રેલિયના વડાપ્રધાને બોસ કહ્યા હોય તેવા મોદી જ એકમાત્ર એવા વ્યક્તિ છે. આટલી ક્ષમતા હાલના કોઈ નેતામાં નથી. ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ બનાવવા માટે મોદીનું રીપીટ થવું અત્યંત જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં જે પણ મોટી મોટી સમસ્યાઓ રહેલી છે તે નરેન્દ્ર મોદી વિના પૂર્ણ થશે નહિ. ગૌ હત્યા બંધ કરવાની છે અને રામચરિત માનસને રાષ્ટ્ર ગ્રંથ જાહેર કરવાનો છે તેમજ POKને ભારતમાં જોડવાનું છે. આ બધા કાર્યો નરેન્દ્ર મોદી વિના પૂર્ણ થઈ શકશે નહી. ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વાતને લઇને જગતગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યું હતું કે, ભગવાન કરે અને તેમની આ વાત સત્ય સાબિત થાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી 5 ઈચ્છાઓ છે જેમાંથી 370ની કલમ, ત્રિપલ તલાક દુર કરવાની અને, રામ મંદિરનું નિર્માણ કરવાની ઈચ્છા પૂર્ણ થઇ ગયી છે. હોવી હવે રામચરિત માનસને રાષ્ટ્ર ગ્રંથ જાહેર કરવામાં આવે અને દેશમાં ગૌ હત્યા બંધ થઇ જાય અને પીઓકે આપણે મળી જાય એટલે મારી પાંચેય ઈચ્છાઓ પૂરી થઈ જશે.