અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થયા પછી કેટલાક વિનાશક દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. કચ્છ સહિત ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાના લરને કેટલાક મકાનોના છાપરા ઉડી ગયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ઠેર ઠેર વૃક્ષો, વીજપોલ તેમજ હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બિપોરજોય ચક્રવાતને કારણે દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં 1500થી પણ વધુ વિજપોલ ધરાશાયી થવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તંત્ર દ્વારા વિજપોલ ઉભું કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. તો વડોદરામાં મોડી રાત્રે 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો વડોદરામાં પણ 45 કિમીની સ્પીડથી પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે 65 જેટલા વૃક્ષ ધરાશાયી થયા તેમજ 4 જેટલા વિસ્તારમાં વૃક્ષો વાહનો પર પડતાં ખૂબ મોટું નુકસાન થયું છે. તો કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે માતાના મઢથી ભુજ બાજુ જવાનો માર્ગ હાલ પૂરતો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગત રોજ રાત્રીના સમયે બિપોરજોય ચક્રવાત કચ્છ જિલ્લામાં આવેલા જખૌ બંદર ખાતે અથડાયા પછી રાજ્યના કચ્છ સહિતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક જિલ્લાઓમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો દ્વારકા અને કચ્છમાં વિજપોલ ધરાશાયી થતા તંત્રએ કામગીરી હાથ ધરી છે. આમ કેટલાક જિલ્લાઓમાં બિપોરજોય ચક્રવાતની અસરને કારણે કેટલાક જિલ્લાઓમાં વિનાશક દ્રશ્યો સામે આવ્યા છે.