AhmedabadGujarat

ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને આવ્યા મોટા સમાચાર

રાજ્યમાં વરસાદી માહોલ હાલ સતત ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે. તેના લીધે લોકોને ભારે ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યમાં ગરમીનો પારો ચડ્યો છે. જ્યારે હવે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચોમાસું બેસશે. તેની સાથે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં હાલ નેઋત્યના ચોમાસા માટે હજુ એક અઠવાડિયા સુધી લોકોને રાહ જોવી પડશે. હાલમાં જે સ્થિતિ છે તેને જૂતા જૂન મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાતમાં નેઋત્યનું ચોમાસું બેસી શકે છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની શરૂઆત 13 જૂનના રોજ થઈ હતી. આ વખતે ગયા વર્ષની સરખામણીમાં ચોમાસાને લઈને રાહ જોવી પડી રહી છે. હવામાન નિષ્ણાંત ડો. અક્ષય દેવરા દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિ અનુસાર આ મહિનાના અંત સુધીમાં સુરત અને ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસુ બની શકે છે. ત્યાર બાદ ચોમાસું કઈ રીતે આગળ વધશે તેના અંગે હજુ કંઈપણ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દસ દિવસમાં પ્રી મોનસુન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે વરસાદી માહોલ બની શકે છે.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું છે કે, મધ્ય ભારતમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમના લીધે ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જ્યારે ગુજરાતના અન્ય શહેરો સહિત અમદાવાદમાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં ગઈ કાલના સરેરાશ મહત્તમ તાપમાન 37.3 અને ભેજનું પ્રમાણ સવારના 71 ટકા અને સાંજે 44 ટકા રહ્યું હતું. અમદાવાદમાં 25 જૂન સુધીમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે