AhmedabadGujarat

વિવેક ઓબેરોય ના નામનો ઉપયોગ કરીને ગઠિયાએ કરી લીધી છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

રોયલ બીચ સીટી ધ ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ જાણીતા ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય ના ફોટોગ્રાફ્સ નો ઉપયોગ એક ગઠીયાએ તેના ખુદના પ્રોજેક્ટ માટે ખોટી રીતે કર્યો હોવાની ઘટના હાલ સામે આવી છે. ગઠિયાએ રોયલ બીચ સિટી ધ ગોવાના ડાયરેક્ટરને 500 જેટલા પ્લોટ વેચી આપવાનું કહીને તેની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી લીધી છે.  સીજી રોડ પર પોતાની ઓફિસ આપવાનું કહીને ગઠીયાએ દર મહિને 1 લાખ રૂપિયા પગાર પેટે કંપની પાસેથી ખંખેરી લીધા હતા. ગઠીયાએ અંતે ઓફિસનો દસ્તાવેજ ના કરતા આખરે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તાર ખાતે આવેલા પારીજાત ઇક્લેટમાં વસવાટ કરતા વિશાલ સાવલિયાએ અખબાર નગર વિસ્તારમાં વસવાટ કરતા હિમાંશુ મહેન્દ્રકુમાર પટેલ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. થલતેજ વિસ્તાર ખાતે આવેલ ટાઇમ સ્કવેર નામની એક બિલ્ડીંગમાં રઘુલીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલી રહેલા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન અને સાઇટ પ્રોજેક્ટના તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ વિશાલ સાવલિયા કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, વિશાલ અને તેમના ભાઇએ ભેગા મળીને છેલ્લા 10-12 વર્ષથી ધોળકા ગળેશપુરા પાસે રોયલ બીચ સીટી ધ ગોવા નામથી પ્લોટીંગ સ્કિમ શરૂ કરી હતી.  ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયને આ પ્રોજેક્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખવામાં આવ્યા હતા. વર્ષ 2011માં હોટલ કોર્ટયાર્ડમાં વિશાલ અને હિમાંશુ પટેલની એકબીજા સાથે મુલાકાત થઈ હતી.  વિશાલને ત્યારે પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાની તૈયારી હિમાંશુ પટેલે બતાવી હતી.

હિમાંશુ પટેલે  વિશાલને 500 જેટલા પ્લોટ વેચી આપવાનું કહીને તેને ભાગીદાર બનવાની ઓફર કરી હતી. ત્યારે દોઢ કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશાલે હિમાંશુને 15 ટકાની ભાગીદારી આપવાનું કહ્યું હતું. હિમાંશુ પટેલે ત્રણ ચાર મિંટીગ થયા પછી જણાવ્યું કે તે એક પણ રૂપિયો આપશે નહીં પરંતુ સીજી રોડ ખાતે આવેલી 1.4 કરોડની ઓફિસ આપશે તેમજ 75 લાખ રૂપિયા તેનો સાળો હર્ષ પટેલ આપશે. આ સિવાય ઓફિસના કુલ 75 લાખ રૂપિયા ભાગીદારી પેટે તેમજ બાકીના વધેલા 29 લાખ જેટલા રૂપિયા પગાર તેમજ હપ્તા પેટે લેવાનું કહ્યું હતું. તેઘી હિમાંશુ પટેલ દર મહિને પગાર પેટે 1 લાખ રૂપિયા લેતો હતો તેમજ 400 જેટલા પ્લોટ વેચી આપવાનું કહીને તેણે વિશાલ સાથે ભાગીદારી પણ લીધી હતી. પરંતુ વિશાલને પાછળથી જાણ થઈ કે, હિમાંશુ પટેલ તેના પ્રોજેક્ટનું માર્કેટિંગ વિવેક ઓબેરોયના નામનો ઉપયોગ કરીને કરી રહ્યો છે. અને બંને વચ્ચે ભાગીદારી ખતમ થઈ હતી. તો હીમાંશુએ સીજી રોડ ખાતે આવેલ ઓફિસનો દસ્તાવેજ પણ ન કરી આપતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.