પાદરામાં છાણાં લેવા ગયેલી યુવતીને કરડ્યો ઝેરી કોબ્રા, સમયસર હોસ્પિટલ ના લઈ જવાતા યુવતીનું નીપજ્યું મોત
આપણે ત્યાં ઘણા લોકો હજુ પણ અંધશ્રદ્ધા માં એટલું બધું માને છે કે તેઓ સાપ કરડે તો પણ હોસ્પિટલ જવાના બદલે ભુવા પાસે પહોંચતા હોય છે. અને આવા કિસ્સાઓમાં સમયસર હોસ્પિટલ ના પહોંચવાના કારણે સાપ જેને કરડ્યો હોય તેનું મોત નીપજ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવું જ કંઈક વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં એક યુવતીને ઝેરી કોબ્રા કરડી ગયો હતો. ત્યારે તેને સમયસર હોસ્પિટલ ન લઈ જવામાં આવતા યુવતીનું મોત નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઈ છે. ત્યારે વડોદરા શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં સરીસૃપ બહાર નીકળવા લાગ્યા છે. પાદરા તાલુકાના વણછારા નામના ગામ ખાતે વસવાટ કરતી 20 વર્ષની ઉંમરની ખુશ્બુ કનુભાઈ વણછારા નામની યુવતી ગતરોજ સાંજના 5 વાગ્યા ની આસપાસ ઘાસચારો અને છાણા લેવા ઘરની બાજુમાં જ ગઈ હતી. ખુશ્બુ ઘાસચારો અને છાણા લેવા ગઈ ત્યારે તેને ત્યાં ઝેરી કોબ્રા સાપ કરડ્યો હતો. ત્યારે ખુશ્બુ ને સારવાર માટે સમયસર હોસ્પિટલ ના લઈ જવાતા દોઢ કલાકમાં જ તેનું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, ગામમાં ઝેરી કોબ્રા કરડી જવાથી ખુશ્બુનું મોત નીપજ્યું હતું. જેથી ગ્રામજનોએ આ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને આ મામલે જાણ કરી હતી. જેથી ટ્રસ્ટ ના કાર્યકર ગામમાં પહોંચ્યા હતા અને 3 કલાકની ભારે જહેમત બાદ તેમણે કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સભ્ય એવા અરવિંદ પવારના જણાવ્યા અનુસાર, આખા રાજ્યમાં સરીસૃપો ની વસ્તીની વાત કરીએ તો વડોદરામાં જ સૌથી વધારે સરીસૃપો છે. સરીસૃપો ને અહીંનું વાતાવરણ માફક આવી ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે, સાપ કરડે ત્યારે લોકો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ જવાને બદલે ભૂવા પાસે પહોંચી જતા હોય છે. આથી તેમણે સૌને જણાવ્યું કે જ્યારે લન કોબ્રા સહિતના કોઈપણ ઝેરી સાપ જ્યારે કરડે ત્યારે ભૂવા પાસે નહીં પણ તાત્કાલિક અસરથી દર્દીને લઈને હોસ્પિટલ પહોંચી જાઓ અને ત્યાં તેની સારવાર કરાવો તેવી મારી અપીલ છે.