બંદૂકના દમ પર આંગડિયા પેઢીના લાખો રૂપિયાની લૂંટ મચાવનાર લૂંટારુઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા
અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીનો ખૂબ મોટો ધંધો છે તેવું વિચારીને એક મહિના પહેલા રથયાત્રાના સમયે દિલ્હીથી પ્રોફેશનલ લૂંટારુઓ કાર લઈને અમદાવાદ આવ્યા હતાં. અને પછી તેમણે એક બાઇક ચોરી કરીને એક આંગડીયા પેઢીમાંથી 46.51 લાખ રૂપિયાની લૂંટ કરીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં. ત્યારે ક્રાઇમ બ્રાંચના નિષ્ઠાવાન અધિકારીઓએ માત્ર એક મહિનાની અંદર જ આંગડિયા પેઢીમાં લૂંટ કરનારા પાંચ લૂંટારુઓમાંથી ત્રણ લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તાર ખાતે આવેલ યોગેશ્વર પાર્કમાં વસવાટ કરતા આંગડિયા પેઢીના કર્મચારી 46.51 લાખ રૂપિયા ભરેલો એક થેલો લઈને તેમના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ બાઇક પર સવાર થઈને ત્રણ શખ્સ પાર્કિંગ એરિયામાં આવી ગયા અને બંદૂક બતાવીને આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલ પૈસા ભરેલ થેલાને ઝુંટવી લઈને બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને બાદમાં લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે શહેરકોટડા પોલીસે આ સમગ્ર મામલે લૂંટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે આ લૂંટારુઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે CTM એક્સપ્રેસ હાઈવે ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કરનાર આરોપી સુનિલકુમાર સિંગ, ગૌરવ હુડ્ડા અને રાહુલ ગુપ્તાની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી મૂળ દિલ્હીના વતની છે. પોલીસે આ ત્રણેય આરોપી પાસેથી 6,81,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓ વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે આ ત્રણેય આરોપીએ અત્યાર સુધીમાં દેશના એકથી વધુ રાજ્યોમાં લૂંટ,મારામારી,ચોરી અને હત્યા સહિતના ગુનાઓને અંજામ આપ્યો છે. ત્યારે હાલ તો પોલીસે પાંચમાંથી ત્રણ આરોપીઓમે ઝડપી પડ્યા છે. તો બાકીના બે આરોપીઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.