અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ ખાતે થયેલ ગોઝારા અકસ્માતને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત રોજ મોડી રાત્રે થયેલા 2 ગોઝારા અકસ્માતમાં 9 લોકોની મોત થયાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઇસ્કોન બ્રીજ ખાતે થયેલા અકસ્માતની ઘટનાને લઈને એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે આ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારોજનોને સાંત્વના પાઠવી છે. આ અકસ્માતમાં 2 પોલીસકર્મીઓનું પણ મોત નીપજ્યું છે. ત્યારે તેમના પરિવારજનઓ પ્રત્યે પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવેદના વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે, બુધવારે મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં પહેલા ડમ્પર અને થાર કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. ત્યારે આ અકસ્માતને જોવા માટે કેટલાક લોકોનું ટોળું ભેગું થયું હતુ. તે દરમિયાન એક જેગુઆર કારે ફુલ સ્પીડમાં આવીને ત્યાં હાજર ટોળાને કચડી નાંખ્યું હતુ. ત્યારે ગતરોજ ઇસ્કોન બ્રીજ ખાતે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. ત્યારે આ જેગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કાર ચાલક તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ પણ પહેલેથી એક ગેંગરેપના આરોપી છે.