રાજ્યમાં ચોમાસામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઓરિસ્સાના દરિયામાં આજે એટલે કે 26 જુલાઈએ ડીપ ડિપ્રેશન સર્જાશે. અને દેશના પશ્ચિમના ભાગમાં તેની અસર વર્તાશે. આજે દેશના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે. પશ્ચિમ ભાગમાં 26, 27 અને 28 તારીખના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મુંબઈમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે ગુજરાતના પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ભારે પવન સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. 100 કિલોમીટરની સ્પીડથી સુસવાટા સાથે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને નદીઓમાં આ ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર વર્તવાના કારણે નદીઓમાં ભારે પુર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ પડવાને કારણે પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં હાલ સ્થિતિ ખુબ જ ખરાબ છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું. અને અનેક સ્થળો એવા છે કે ત્યાં હજુ પણ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી.