GujaratJamnagarSaurashtra

ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ કરતા પહેલા સો વખત કરજો વિચાર, નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

આજ કાલ ઘણા લોકો ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન  કમાણી કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ ઓનલાઈન કમાણી કરવાના ચક્કરમાં છેતરપિંડી પણ થઈ જતી હોય છે. આવું જ કંઈક જામનગરમાં સામે આવ્યું છે.  જ્યાં એક વ્યક્તિને મુવી ટિકિટના રીવ્યુ કરવાનું વર્ક ફ્રોમ હોમ મળ્યું હતું. ત્યારે સામે વાળી વ્યક્તિએ પહેલા તો વિશ્વાસ કેળવવા એક પેમેન્ટ આપ્યું પરંતુ બાદમાં તેની પાસેથી અલગ અલગ ચાર્જના નામે 1,20,000 રૂપિયા પડાવી લીધા હતાં. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લામાં વસ્કેટ કરતા એક વ્યક્તિને તેના મોબાઈલ પર સોશિયલ મીડિયા એપ્લિકેશન ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ ઓફરનો એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ઘરે બેઠા મૂવી રેટીંગ કરવાના બિઝનેસમાં જોડાઈને તમે સારી એવી કમાણી કરી શકો છો. આ મેસેજ વાંચીને આ વ્યક્તિ લાલચમાં આવી ગયો અને તેણે મૂવી ટિકિટ ખરીદીને રેટીંગ આપવાનું શરૂ કર્યું હતું. આ જોબ માટે એક બોગસ વેબસાઈટમાં આ વ્યક્તિનું લોગ ઈન કરાવી તેનું રજીસ્ટર કરાવ્યુ અને ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપ માં સભ્ય બનાવ્યા હતા. બાદમાં 28 જેટલી ટીકીટ આ વ્યક્તિએ મેળવી હતી. અને તેણે આપેલા રેટીંગ અનુસાર તેના રોકાણના બમણા વળતરની ચૂકવણી પણ કરવામાં આવી હતી. પૈસાની ચૂકવણી થતા આ વ્યક્તિને વિશ્વાસ આવી ગયો કે આ કામ તો સારું છે. ત્યારપછી આ વ્યક્તિએ વધુ ટિકિટ ખરીદીને રેટિંગ કર્યું પરંતુ ત્યારે તેને પેમેન્ટ મળ્યું નહોતું. બાદમાં જ્યારે પેમેન્ટ માંગ્યું તો જવાબ મળ્યો કે તમે વધારે રોકાણ કરી લીધું છે માટે તમારે 50 ટકા જેટલો સરચાર્જ ભરવો પડશે. જેથી આ વ્યક્તિએ સરચાર્જ ભર્યો હતો. બાદમાં યુવકને ધમકી આપી કે તમારી વિરુદ્ધ મની લોન્ડ્રીગનો પોલીસ કેસ થઈ શકે છે. બાદમાં આ વ્યક્તિને અહેસાસ થયો કે આ તો વર્કફ્રોમ હોમના નામે ફ્રોડ થઈ ગયું ત્યારે તેણે જામનગર સાયબર ક્રાઈમમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, આ વ્યક્તિ સાથે ઓનલાઈન વર્ક ફ્રોમ હોમના નામે 1 લાખ 12 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે માલુમ પડ્યુ કે, સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલ પંચતત્વ રેસીડેન્સીમાં વસવાટ કરતા સ્મિત ઝવેરભાઈ પટોળિયા અને કૌસિક નિમાવત નામના શખ્સોની સંડોવણી સામે આવતા તેમને દબોચી લીધા હતા. ત્યાર પછી સુજન રયાણી નામના અન્ય એક શખ્સની સંડોવણી સામે આવતા જામનગર સાયબર ક્રાઇમે તેની પણ ધરપકડ મારી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.