શાળા સંચાલક મંડળના પ્રમુખનું અનોખું અભિયાન, માતા-પિતાની મંજૂરી વિના લગ્ન નહિ કરવાની લેવડાવી રહ્યા છે પ્રતિજ્ઞા
માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને યુવક અને યુવતીઓ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરતા હોય છે અને પછી ઘણી વખત આ પ્રકારે કરેલા લગ્નના કારણે પાછળથી પસ્તાવવાનો સમય પણ આવતો હોય છે. રાજ્યમાં ઘણા સામાજિક અને રાજકીય આગેવાનો એ માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને ભાગીને પ્રેમ લગ્ન કરતા યુવક યુવતીઓના કિસ્સાઓમાં માતા-પિતાની સહી કરાવીને તેમની મંજૂરી લેવાનો કાયદો બનાવવામાં આવે તેવી વાત કરી ચુક્યા છે. ત્યારે આ બધા વચ્ચે હવે સામાજિક આગેવાન મનુભાઈ ચોકસી મહેસાણાની શાળાઓમાં વિદ્યાર્થીનીઓને પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે કે, પ્રેમ લગ્ન કરો કે પછી સામાજિક રીત રિવાજ મુજબ અરેંજ મેરેજ પણ તેમાં તમારા માતા-પિતાની મંજૂરી અવશ્ય લો.
ઉલ્લેખનીય છે કે, શાળા સંચાલક મંડળના પ્રમુખ મનુભાઈ ચોકસી મહેસાણા જિલ્લામાં આવેલી તમામ શાળામાં જઈને ત્યાંના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને લગ્ન બાબતે શપથ લેવડાવી રહ્યા છે. મનુભાઈ વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવે છે કે, ભવિષ્યમાં મોટા થઈને માતા પિતાની મંજૂરી વિના લગ્ન કરીશ નહીં. મનુભાઈ ચોકસીએ અત્યારસુધીમાં 200 કરતા પણ વધારે માધ્યમિક શાળાઓમાં જઈને ત્યાં અભ્યાડ કરતા વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ પાસે આ પ્રતિજ્ઞા લેવડાવી છે.
નોંધનીય છે કે, મનુભાઈ ચોકસી આ પ્રતિજ્ઞા લેવડાવવાની સાથો સાથ યુવક અને યુવતીઓના લગ્ન કરવાની ઉંમરમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે યુવતીની ઉંમર લગ્ન માટે 18ની જગ્યાએ 21 વર્ષ અને યુવકની ઉંમર લગ્ન માટે 21 ની જગ્યાએ 25 વર્ષ કરવી જોઈએ. જેથી લગ્ન કરવા સમયે યુવક અને યુવતી બંને પરિપક્વ હોય. અને આમ કરવાથી રાજ્યમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ પણ ઘટનાઓ પણ અટકશે.