ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકશાન, પૂર્વ કર્મીઓએ કરી છેતરપીંડી
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કંપનીના બે પૂર્વ કર્મચારીઓની ખોટી નિયતના કારણે કંપનીને 40 કરોડના નુકસાનની ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. નરેશ પટેલની કંપનીમાં પહેલા કામ કરતા બે પૂર્વ કર્મચારીઓએ દગો કરતા નરેશ પટેલની કંપનીને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. સ્પેરપાર્ટ્સની ડિઝાઈનમાં લોગો બદલી કાઢીને આ બંને કર્મીઓએ બીજી કંપનીને વેચતા નરેશ પટેલની કંપનીને નુકશાન પહોંચ્યું છે. ત્યારે હાલ તો રાજકોટમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેટોડા ખાતે આવેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની પીબી ડબલ્યુ બેરિંગ્સ નામની કંપનીમાં સ્પેરપાર્ટ્સ અને બેરિંગ બાનવામાં આવે છે. ત્યારે બેરિંગના સ્પેરપાર્ટ્સની ડિઝાઈનમાં લોગો બદલાવી કાઢીને તેમની જ કંપનીના બે પૂર્વ કર્મચારીઓએ બીજા લોકોને વેચીને નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડાયું હોવાનું સામે આવ્યું છે. અને આ બેરિંગ અમેરિકામાં રહેલા નરેશ પટેલના ગ્રાહકોને જ વેચવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
નોંધનીય છે કે, આ બાબતને લઈને હાલ તો ચિંતન અને ભાવેશ નામના બે ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે છેતરપિંડી તેમજ કોપિરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.