GujaratJamnagarSaurashtra

પાનની પીચકારીના મામલે ગુલાબનગરમાં દંપતી પર હુમલા પછી યુવાનનું મૃત્યુ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. જેમાં પાનની પિચકારી મારવા બાબતમાં પાઈપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા અખાડા ચોકમાં ગઈ રાત્રીના પાનની પિચકારી મારવા પ્રશ્ને એક યુવાન તથા તેના પત્ની પર પાડોશીઓ દ્વારા પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે આ મામલામાં ગંભીર ઈજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા અખાડા ચોકમાં પેન્ટરવાળી શેરીમાં રહેનાર યુસુફભાઈ સાંઘાણી નામના ચાલીસ વર્ષના યુવાન ગઈ રાત્રીના સમયે પોતાના મકાનના ઉપરના ભારે રહેલા હતા. તે સમયે તેમના દ્વારા પાનની પિચકારી મારવામાં આવી હતી જ્યારે પાનની પિચકારી પાડોશ માં જ રહેનાર ઈર્શાદ મહંમદ મગીડાના બારણા પાસે પડતા ઉગ્ર ઝઘડો ઉભો થઈ ગયો હતો.

તેની સાથે નવ મહિના અગાઉ દિવાળીના સમયે પણ આવી જ રીતે યુસુફભાઈ દ્વારા પોતાના ઘરમાંથી પાનની પિચકારી મારવામાં આવી હતી અને તે પિચકારી ઈર્શાદ ના ઘર પાસે પડતા બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. તેમ છતાં બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. એવામાં ગઈ કાલ રાત્રિના યુસુફભાઈ દ્વારા ફરીથી પિચકારી મારતા મામલો વધુ બગડ્યો હતો.

ત્યાર બાદ પોતાના ઘરમાંથી છરી તેમજ પાઈપ સાથે ધસી આવેલા ઈર્શાદ અને તેના ભાઈ ફૈઝલ મહંમદ મગીડા ઉર્ફે બોદુ  દ્વારા યુસુફભાઈ તથા તેમના પત્ની કૌશરબેન પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. બંને વ્યકિત દ્વારા આ દંપતિને પાઈપના ફટકા મારવામાં આવ્યા પછી આજે તો આને પતાવી જ દેવો છે તેમ કહી ઈર્શાદે છરી બહાર કાઢી યુસુફ પર હુમલો કરી દીધો અને કૌશર બેનના પેટમાં પણ છરી મારી દીધી હતી. ત્યાર બાદ લોહીલોહાણ હાલતમાં દંપતિ ઢળી પડતા બંને હુમલાખોર ઘર છોડીને નાસી ગયા હતા.

સ્થાનિક લોકો દ્વારા યુસુફભાઈ તથા કૌશરબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન યુસુફ ભાઈનું મૃત્યુ નીપજતા આ મામલો હત્યામાં ફેરવાઈ ગયો હતો. જ્યારે ગંભીર ઈજા પામેલા કૌશરબેનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ ઘટનાની જાણકારી મળતા સિટી-બી ડિવિઝન ના પીઆઈ એચ.પી. ઝાલા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં મૃતકના પિતરાઈ ગુલામહુસેન હારૃન સાંઘાણી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં બંને આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.