કઠલાલ તાલુકાનાના ઘોઘાવાડા નામના ગામ ખાતે જમીનની તકરારમાં ચાર લોકોએ મળીને જમીનના વહીવટકર્તા પર હુમલો કરતાં સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. વહીવટકર્તા વ્યક્તિ પર હુમલો થતા તેને ડાબા હાથે ચપ્પુ વાગી ગયું હોવાથી 3 ટાંકા આવ્યા છે. હાલ તો કઠલાલ પોલીસમાં આ સમગ્ર મામલે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના મંજીપુરા રોડ ખાતે આવેલ આલોક સોસાયટીમા વસવાટ કરતા દિનેશભાઈ રમણભાઈ શ્રીમાળી પોતે એક RTI એક્ટીવીસ્ટનુ કામ કરે છે. તેમની જ સોસાયટીમાં વસવાટ કરતા એક વિધવા દીનાબેન ડાહ્યાભાઈ રોહિતની કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ખાતે આવેલ ખારવાવાડમાં બે વિઘા જેટલી જમીન આવેલી છે. આ જમીન આશરે 50 વર્ષ અગાઉ દીનાબેનના પતિએ ઘોઘાવાડા ખાતે રહેતા એવા જમીનના મુળ માલિક દાઉદભાઈ બેચરભાઈ ખ્રિસ્તી પાસેથી ખરીદી હતી. ત્યારથી ડાહ્યાભાઈ તેમજ તેમના પરિવારના સભ્યો જમીનમાં ખેતી કરે છે. અને દિનેશભાઈ રમણભાઈ શ્રીમાળી છેલ્લા 4 વર્ષથી આ જમીનનો વહીવટ કરે છે. અને જમીનમાંથી આવતી ઉપજ દિનાબેનને આપે છે.
નોંધનીય છે કે, દિનેશભાઈ શ્રીમાળી ગત 5 ઓગસ્ટના રોજ નડિયાદ ખાતે આવેલા તેમના ઘરે હાજર હતા. ત્યારે દિનાબેનની પુત્રી દિપકાબેને દીનેશભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, ઘોઘાવાડા ખાતે આવેલ તેમની જમીનમાં તેઓ વાવણી કરી રહ્યા હતા ત્યારે ઘોઘાવાડા ગામે રહેતા જમીનના મૂળ માલિક દાઉદભાઈ બેચરભાઈ ખ્રિસ્તીનાનો મોટો ભાણિયાએ ખેતરમાં આવીને અમને કહ્યું કે આમાં અડધું ખેતર અમારું છે એટલે તમે વાવણી કરશો નહીં તેમ કહી તેણે ગંદી ગંદી ગાળો બોલી હતી. જેથી દિનેશભાઈ શ્રીમાળી તેમજ દીનાબેનની બીજી દિકરી નીતાબેન બંન્ને તાત્કાલિક અસરથી ઘોઘાવાડા ખાતે પહોંચી ગયા હતા. આ સમય દરમિયાન પ્રવીણભાઈ રણછોડભાઈ પરમાર કે જેઓ જમીન ભાગે વાવે છે તેઓ પણ ત્યાં હાજર હતા. ત્યારે સાંજના સમય દરમિયાન દાઉદભાઈ બેચરભાઈ ખ્રિસ્તી, શારદાબેન બેચરભાઈ ખ્રિસ્તી તેમજ ભાનેર ગામનો તેમનો નાનો ભાણિયો વિજય તેમજ આર્મીમાં નોકરી કરતો મોટો ભાઈ આ ચારેય લોકો ખેતરમાં પહોંચી ગયા હતા. અને દિનેશભાઈને જાતિસુચક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા. અને કહ્યું કે આમાં અડધી જમીન અમારી છે. તેમ કહીને ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. દિનેશભાઈએ તે લોકોને ગાળો બોલવાની ના પાડી તો તે તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને દીનેશભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમય દરમિયાન દાઉદભાઈના નાના ભાણીયા વિજયે તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢી દિનેશભાઈ પર હુમલો કરતા દિનેશભાઈને ડાબા હાથના ભાગે વાગી ગયું હતું. જેથી તેમને 3 ટાંકા આવ્યા હતા. તો બીજા હુમલાખોરોએ આ ઝઘડામાં દીનેશભાઈને વચ્ચે છોડાવવા પડેલા પ્રવીણભાઈ, દિપકાબેન તેમજ નિતાબેનને ધોલ ઝાપટો ફટકારી હતી.
તમને જણાવી દઈએ કે, હુમલો કર્યા પછી પણ હુમલાખોરોએ ધમકી આપી કે ઘોઘાવાડાના અમારા આ ખેતરમાં હવે ફરીથી પગ મૂકશો તો જીવતા નહિ રહેવા દઈએ તેમજ કહ્યું કે કઠલાલ ખાતે રસ્તામાં ઉભા રહીએ છીએ જોઈએ છે તું કેવી રીતે નીકળે છે તેમ કહી તેઓ જતા રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, જમીનના વહીવટકર્તા દિનેશભાઈ રમણભાઈ શ્રીમાળીએ આ સમગ્ર મામલે તેમના પર હુમલો કરનાર દાઉદભાઈ બેચરભાઈ ખ્રિસ્તી, શારદાબેન બેચરભાઈ ખ્રિસ્તી તેમજ ભાનેર ગામનો તેમનો ભાણીયા તેમજ નાનો ભાણિયો વિજય એમ કુલ 4 લોકો વિરુદ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.