સાપે ડંખ મારતા હોસ્પિટલ લઈ જવાના બદલે ભુવા પાસે લઈ જતા 14 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં વધારે વિશ્વાસ રાખતા હોય છે. ઘણા લોકો તો કોઈ રોગ થયો હોય કે સાપ જેવો કોઈ ઝેરી જીવ કરડી જાય તો પણ હોસ્પિટલ જવાને બદલે ભુવા પાસે જતા હોય છે. અને પછી પાછળથી પસ્તાવવાનો વખત આવતો હોય છે. આવું જ કંઈક અરવલ્લીમાં સામે આવ્યું છે. જ્યાં 14 વર્ષની એક દીકરીને સાપે ડંખ મારતા તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ભુવા પાસે લઈ ગયા હતા. જો કે, ત્યાંથી સારું ન થતા તેઓ દીકરીને લઈને હોસ્પિટલ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર તબીબે દીકરી ને મૃત જાહેર કરી દીધી હતી. આમ અંધશ્રદ્ધાના કારણે 14 વર્ષની દીકરીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લીના મેઘરજના રાજસ્થાન સરહદ પાસે આવેલા પંચાલ નામના ગામ ખાતે 14 વર્ષની ઉંમરની સોનલબેન તાબિયાળ વહેલી સવારના સમયે તેના ઘર આગળ ઘાસ કાપી રહી હતી. તે દરમિયાન સોનલબેન ને હથેળીના ભાગે એક ઝેરી સાપે ડંખ મારતા સોનલબેન જોરથી ચીસ નાખીને ત્યાં જ ઢળી પડી હતી. તેથી તેના પરિવારજનો તરત જ સોનલ પાસે પહોંચી ગયા હતા. અને બાદમાં સોનલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બદલે ઝેરી સાપનું ઝેર ઉતારવા માટે તેને એક ભુવા પાસે લઈ ગયા હતા. જો કે, સોનલને સારું ના થતા બાદમાં તેના પરિવારજનો તેને લઈને સારવાર માટે મેઘરજ જલારામ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે સોનલ ને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો: લંડનમાં અભ્યાસ કરવા ગયેલ કુશ પટેલ ચાર દિવસથી ગુમ, પરિવારે ફરિયાદ નોંધાવી
નોંધનીય છે કે, અંધશ્રદ્ધા ના કારણે 14 વર્ષીય માસુમ સોનલનું મોત નીપજ્યું છે. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં મેડિકલ સાયન્સે પણ ખૂબ જ વિકાસ કર્યો છે. તેમ છતાં પણ ઘણા લોકો બીમારીમાં અથવા તો આ રીતે કોઈ ઝેરી જીવ કરડે તો હોસ્પિટલ જવાને બદલે ભૂવાઓ પાસે જતા હોય છે. અને પછી પાછળથી પસ્તાવવાનો સમય આવતો હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે અનેક સંસ્થાઓ, NGO અને સામાજિક કાર્યકર્તાઓ સતત જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવતા રહે છે. તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે.
આ પણ વાંચો:મંગળવારે આ ઉપાય કરવાથી હનુમાનજી દરેક મનોકામના પૂર્ણ કરશે
આ પણ વાંચો: શનિદેવ કેટલો સમય કુંભ રાશિમાં રહેશે? આગામી અઢી વર્ષ સુધી આ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે