ગુજરાતના વાહનચાલકોની ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ ચલણ ન ભરનારા વાહનચાલકોની ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. કેમકે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવા પ્રોજેક્ટ હેઠળ આવા ચાલકોને કોર્ટમાં અને જેલમાં પણ જવાનો વારો આવી શકે છે. હાલમાં દેશભરમાં 15 મી જાન્યુઆરીથી 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરાઈ રહી છે. તેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. તેના આધારે હવે મોબાઈલ એપ્લીકેશનમાં ઈ-ચલણ એપ્લિકેશન 16 મી જાન્યુઆરીથી શરૂ કરી દેવાઈ છે.
તેની સાથે અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશનના આધારે ઈ ચલણ અપાતા હત. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન દ્વારા ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગના બદલ ઈ ચલણ આપવામાં આવશે. તેમાં વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરે તો તે પોતાના ફોનના આધારે પછી પણ દંડ ભરી શકશે. તેની સાથે આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યા પરથી નિયમો નું ભંગ કરશે તો તેને પણ આ એપના આધારે પોલીસ દ્વારા ઈ-ચલણ આપી શકાશે.
તમને જણાવી દઈએ કે, વાહન ચાલકોને ઈ-ચલણ મળ્યાના 90 દિવસમાં તેને ભરી દેવું પડશે. જો આ સમયગાળા દરમિયાન ઈ-ચલણ ભરશે નહીં તો ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધીમાં દંડ ભરાશે નહીં તો બાદમાં તે ચલણ ફીઝીકલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાશે અને ત્યાર બાદ કોર્ટ સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકાશે અને સજા પણ ફટકારવામાં આવી શકે છે.
તેની આ એપ્લિકેશનની વાત કરવામાં આવે તો તેમાં ચલણ જનરેટ થવાની સાથે આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વગરપોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર પણ કરી શકશે. તેની સાથે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરવામાં આવી છે.