રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે ક્રાઈમની એક ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પ્રેમ લગ્નની બાબતમાં યુવકની માતાને સળગાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલામાં પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરી અન્ય એક ફરાર આરોપીને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પ્રેમ લગ્નની બાબતમાં મહિલાને સળગાવીને હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં યુવકની 45 વર્ષીય માતા દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દીકરાની પત્નીના પરીવારજનો, જેમાં રાહુલ ચૌહાણ, વિનોદ ચૌહાણ અને મનીષ ચૌહાણ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ કિસ્સામાં ફરિયાદી મહિલા કે જેમના દીકરા દ્વારા તેમના જ વિસ્તારમાં રહેનાર એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. ૨૪મી જાન્યુઆરીના રોજ પ્રેમ લગ્ન કર્યા બાદ પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા ફરિયાદીના ઘરે આવી ધમકી આપવામાં આવી હતી. માત્ર ધમકી જ નહિ પરંતુ ત્રણ યુવકો દ્વારા આવીને મારામારી કરી ગાળો બોલી ફરિયાદી મહિલા પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જેમાં ફરિયાદી મહિલા દાઝતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર રહેલ છે.
પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને જોતા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં ત્રણ આરોપી પૈકી બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને શોધવાની તપાસ હાથ ધરવામાં આવી છે.