હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલથી રાજ્યમાં બે થી ત્રણ ડીગ્રી તાપમાન ઘટાડો થવાનો છે. ત્યાર બાદ આ તાપમાન યથાવત રહેવાનું છે. તેના લીધે ફરી એક વખત તાપમાન ઘટતા લોકોને ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. તેની સાથે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનું જોર વધશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. તેમ છતાં આવતીકાલથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડો થશે. તેની સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેના લીધે ઠંડીનો ચમકારો અનુભવાશે. હાલમાં અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 17 અને ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં ઘટાડો આવવાની આગાહી કરવામાં આવી છે.
અબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા રહેલી છે. જ્યારે આગામી 19 થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ જોવા મળશે.