રાજ્યમાં થોડા દિવસોથી ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કેમકે સવારના ઠંડી અને બપોરે ગરમી જોવા મળે છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ આગાહી અનુસાર ઠંડીનું જોર વધવાનું છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેવાનું છે. તેમ છતાં રાહતની વાત એ પણ છે કે, વરસાદની કોઇ શક્યતા રહેલી નથી. પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેવાનું છે.
તેની સાથે ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના છે. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જ્યારે છેલ્લા બે દિવસથી ફરી એક વખત ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. એવામાં હજુ પણ ત્રણ દિવસ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનું જોર જોવા મળશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોના લીધે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જ્યારે 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળશે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે