GujaratAhmedabad

ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. કેમ કે, સવારના ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે હવે સમાચાર કમોસમી વરસાદના આવ્યા છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. અફઘાનિસ્તાન અને આજુબાજુના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતાને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. તેના લીધે ગુજરાતમાં બે દિવસ ભારેથી હળવો વરસાદ જોવા મળવાની શક્યતા છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગે બે સાયકલોનીક સર્ક્યુલેશનના લીધે રાજ્યમાં સામાન્ય થી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેની સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે આવતીકાલના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે.