GujaratAhmedabad

અમદાવાદ : અસારવા માં દીવાલ ધરાશાયી થતાં બે ના મોત, ત્રણને ઇજા

અમદાવાદ ના અસારવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં દાદા હરિની વાવ નજીક આવેલી રેલવે ની દીવાલ ધરાશાયી થતા બાજુમાં રહેનાર કુલ પાંચ લોકો દટાઈ ગયા હતા. તેના લીધે બે લોકોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણકારી મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. તેમ છતાં ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકો દ્વારા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાના લીધે તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયા હતા.

આ બાબતમાં ફાયરબ્રિગેડના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દીવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને આ લોકો દીવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગેની જાણકારી પ્રાપ્ત થઈ નથી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલ નથી તે બાબતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઘટનામાં માનસી કુનીરામ જાટવ (ઉં.વ.55) અને સિદ્દીક પઠાણ (ઉં.વ. 40) નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ગણપતસિંહ ગજુસિંહ વાઘેલા (ઉં.વ.50), મહેન્દ્ર સેંધાજી ઠાકોર (ઉં.વ.37) અને શહીદ નિઝામુદ્દીન (ઉં.વ.40) ને ઈજા પહોંચી છે.

ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, આજે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ પ્રાપ્ત થયો હતો કે, અસારવા વિસ્તારમાં બેઠક નજીક દાદા હરિની વાવ પાછળ જે રેલવે પેરેલલ દીવાલ આવેલ છે તે ધરાશાયી થઈ ગઈ છે અને કેટલાક માણસો તેમાં દબાઈ ગયા છે. તેના લીધે ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ આવી પહોંચી હતી. તેમ છતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલા સ્થાનિક લોકો દ્વારા દીવાલ નીચે દબાયેલા લોકોને બચાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.

તેની સાથે સ્થાનિક લોકો દ્વારા જે લોકો બહાર દેખાયા હતા તેમને તાત્કાલિક ખેંચી અને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી દેવામાં આવી હતી. કુલ પાંચ લોકોને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢ્યા હતા. જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો જીવિત હાલતમાં હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રેલવેની દીવાલ પાસે આ લોકો ક્યા કારણોસર બેઠા હતા તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.