વડોદરા માં ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાતા મામલામાં સ્કૂલવાન ચાલકની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
વડોદરાના માંજલપુર વિસ્તારથી એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાતા જોવા મળી હતી. તેના લીધે લોકો ભારે રોષ જોવા મળ્યો હતો. જયારે હવે આ મામલામાં મકરપુરા પોલીસ દ્વારા સ્કૂલવાન ચાલક અને તેના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે આ મામલામાં સ્કૂલવાન ચાલકની પૂછપરછ કરવામાં આવતા મોટી જાણકારી સામે આવી છે. વાહન ચાલક દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, દરવાજાનું લોક બગડેલું હોવાના લીધે ખુલી ગયો હતો. લોક બદલવાની માલિકને જાણ પણ કરવામાં આવી હતી. પરંતુ વાનના માલિક દ્વારા લોક બદલવામાં ન આવતા આ ઘટના ઘટી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સ્કૂલવાનમાંથી વિદ્યાર્થિની પટકાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં સોસાયટીમાંથી જતી ચાલુ વાનમાંથી વિદ્યાર્થિનીઓ નીચે પટકાતા જોવા મળી હતી. વિદ્યાર્થિનીઓને સામાન્ય ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. તેમ છતાં વિદ્યાર્થીઓની નીચે પટકાઇ હોવાની વાનચાલકને ખબર પડી નહોતી. વાયરલ વીડિયો 19 જૂનનો હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે.
તેની સાથે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, ચાલુ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ નીચે પટકાતા જોવા મળે છે. ત્યાર બાદ આજુબાજુમાં રહેનાર લોકો ભેગા થઈ ગયા હતા. તેમના દ્વારા પડી ગયેલી વિદ્યાર્થિનીને ઉભી કરવામાં આવી હતી. એવામાં હવે મામલામાં પોલીસ દ્વારા સ્કૂલવાન ચાલક અને તેના માલિકની ધરપકડ કરવામાં આવી છે.