સુરત ના પાંડેસરામાં ડાઈંગ મિલમાં મશીન પર કામ કરતા 16 વર્ષના સગીરનું કરંટ લાગતા મોત
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ સુરતમાં પણ છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં વરસાદના લીધે ઈલેક્ટ્રિક કરંટ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં કામ કરનાર એક સગીરને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે. સગીરના મોતના લીધે પરિવાર ને એકના એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. તેના લીધે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમ છતાં સગીરોને કામ પર રાખવામા આવતા હોવાનું પણ સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં મીરા ડાઈંગ મીલ આવેલી છે. જેમાં બલરાજ ગંગારામ યાદવ 16 વર્ષ નો સગીર બે દિવસ અગાઉ કામ કરવા માટે લાગેલ હતો. જેમાં સગીર ડાઈંગ મિલમાં આવેલા નવ નંબર ના મશીન ઉપર બોર્ડ ઘસવાનું કામ કરી રહ્યો હતો. તે સમયે સગીરને અચાનક કરંટ લાગી ગયો હતો. ઇલેક્ટ્રિક કરંટ લાગતાં ગણેશનગર ના રહેવાસી એવા બલરાજનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે નાની બહેને એકનો એક ભાઈ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ ઘટનામાં મૃતકના પિતરાઈ ભાઈ ગંગા રામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મશીનમાંથી કરંટ લાગી ગયો હતો. ત્યાર બાદ મને ફોન આવતા તરત ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યાં કોઈ ગાડી નહોતી કોઈ લઈ જનાર પણ નહોતું. ત્યાર બાદ એક બે કલાક પછી એમ્બ્યુલન્સ આવી હતી. મીરા નામની મીલમાં તે બે ત્રણ દિવસ અગાઉ કામ પર લાગ્યો હતો. સિવિલમાં લાવ્યા બાદ અમને તેમના મોત થયાની તબીબો દ્વારા જાણ કરવામાં આવી હતી. હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.