GujaratAhmedabad

રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કોંગ્રેસના કાર્યકરોને મળશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલના ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી આવતીકાલના  અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવવાના છે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે જાય તેવી પણ શક્યતા રહેલી છે. રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેમના દ્વારા મુલાકાત કરવામાં આવશે. આ સિવાય રાજકોટ અગ્નિકાંડના પીડિતોને પણ રાહુલ ગાંધી મુલાકાતે જવાના છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આ વખતે ભાજપને સારી ટક્કર આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા 99 બેઠકો પર જીત મેળવવામાં આવી હતી. એવામાં રાહુલ ગાંધીનું રાજકીય કદ વધી ગયું છે. તેની સાથે લોકસભામાં હવે તેઓ વિપક્ષના નેતા રહેલા છે. જ્યારે આજે યૂપીના હાથરસમાં થયેલી દુર્ઘટનાના પીડિતોને રાહુલ ગાંધી મળ્યા હતા. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, ગુજરાતની મુલાકાતમાં તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની પણ મુલાકાત લઈ શકે છે. તેની સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનની મુલાકાતમાં તેમની સાથે જોડાવવાના છે. કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે રાહુલ ગાંધી દ્વારા એક બેઠક પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિંદુઓને લઈને 1 જુલાઈના રોજ કથિત નિવેદન આપવામાં આવ્યું હતું. તેના લીધે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.  આ નિવેદન બાદ બીજું જુલાઈના રોજ અમદાવાદ શહેરના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. જ્યારે 20 થી 25 લોકોના ટોળા દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. તેની સાથે રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા પણ પહોંચી હતી.