GujaratAhmedabad

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસને લઈને આપ્યું મોટું નિવેદન

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઈટીસ રોગ હાહાકાર સર્જ્યો છે. આ રોગ નાના બાળકોમાં જોવા મળી રહ્યો છે. તેમાં પણ ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરમાં જોવા મળી રહી છે. તેના લીધે લોકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. એવામાં આ મામલામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આ કોઇ નવો રોગ રહેલ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. આ રેડ માંખ કરડવાથી થાય છે અને તેમાં પણ ખાસ કરીને ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી તે આ રોગ ના મુખ્ય લક્ષણો રહેલા છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સિવાય મંત્રી દ્વારા રાજ્યમાં હાલ આ રોગ ની સ્થિતિ વિષેની વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના ૧૨ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંથી છ દર્દીઓ હાલ સારવાર હેઠળ રહેલા છે. સાબરકાંઠા જિલ્લામાં ૪, અરવલ્લી જિલ્લામાં ૩,  મહીસાગર અને ખેડા જિલ્લામાં એક-એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન બે દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય તેમ કુલ ૧૨ શંકાસ્પદ કેસ નોંધાયેલા છે.

તેની સાથે આ તમામ ના સેમ્પલ પુના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે જેનું પરિણામ સરેરાશ ૧૨ થી ૧૫ દિવસમાં આવતું હોય છે. મંત્રી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ છ મૃત્યુ રાજ્યમાં નોંધાયેલ છે પરંતુ સેમ્પલ ના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની જાણકારી સામે આવશે. આ સિવાય મંત્રીએ જણાવ્યું છે કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે સૂચના આપવામાં આવી હતી. તેના લીધે અત્યાર સુધીમાં કુલ ૪૪૮૭ ઘરોમાં કુલ ૧૮૬૪૬ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ ૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગ રૂપમાં આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરવામાં આવી રહ્યું છે. તેમને એ પણ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. પ્રાથમિક લક્ષણો જોવા મળે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવાનો અનુરોધ કર્યો છે.