VadodaraGujarat

અનંત-રાધિકા અંબાણીના લગ્ન સમારોહમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવક વડોદરા થી ઝડપાયો, મુંબઈ પોલીસે કરી ધરપકડ

મુંબઈમાં અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેન્શન સેન્ટર માં બોમ્બ બ્લાસ્ટ કરવાની એક યુવક દ્વારા ધમકી આપવામાં આવી હતી. એવામાં આ બાબતમાં ધમકી આપનાર યુવકની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ દ્વારા વડોદરા ના આજવા રોડ પર આવેલ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેના દ્વારા ટ્વીટર પર અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ દ્વારા વડોદરા ના વિરલ કલ્પેશભાઈ આસરા ની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ની બાપોદ પોલીસ ને સાથે રાખીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં વિરલ આસરા ને મુંબઈ લઇ જવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બની ધમકી પ્રાપ્ત થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મુંબઈ પોલીસ દ્વારા એક્સ હેન્ડલ વિશે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના પરથી આ ધમકી અપાઈ હતી. સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક સંદિગ્ધ પોસ્ટ કરાઈ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અંબાણીના લગ્નમાં એક બોમ્બ રહેલ છે.

ત્યાર બાદ મુંબઈ પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરી હતી. આ પોસ્ટ બાદ મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ટ્વિટર એકાઉન્ટ @FFSFIR પર આ પોસ્ટ કરાઈ હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, ‘મારા દિમાગમાં એક બહુ જ શરમજનક વિચાર આવ્યો છે. જો અંબાણીના લગ્નમાં બોમ્બ આવી જાય તો અડધી દુનિયા અહીં ની તહી થઈ જાશે. જ્યારે અનેક અરબ ડોલર માત્ર એક પીન કોડમાં….’ આ પોસ્ટ બાદ મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોઈ એફઆઈઆર તો દાખલ કરવામાં આવી નહોતી. પરંતુ 13 જુલાઈના રોજ કરાયેલી પોસ્ટમાં તપાસ તેજ કરવામાં આવી હતી. તેમ છતાં આ પોસ્ટનું અને ધમકી આપનાર નું ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા વડોદરા ના વિરલ કલ્પેશભાઈ આસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.