રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવનાર પોલીસ કર્મચારી દ્વારા ઇન્સાસ રાઇફલ થી ગોળી મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ કર્મચારી જિતેન્દ્ર રણજિતભાઈ વાજા નામના પોલીસ કોન્સ્ટેબલ હોવાની જાણકારી સામે આવી છે. આ બાબતમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતક ના પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર કેસની તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, પોલીસકર્મી જિતેન્દ્ર વાજા દ્વારા બે દિવસ અગાઉ જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. તેમને બે દિવસ અગાઉ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપવામાં આવી હતી. તેમ છતાં આપઘાત ક્યા કારણોસર કર્યો તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.
જાણકારી મુજબ, ગઈ મોડી રાત્રીના કરવામાં આવેલ આપઘાતની જાણ આજના સવારે થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં આ બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલામાં તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં વહેલી સવારના 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. પોલીસ કમિશનર દ્વારા આ દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.