GujaratAhmedabad

રાજ્યમાં ભારે વરસાદને જોતા CM ભૂપેન્દ્ર પટેલએ એક્સ પર ટ્વીટ કરી લોકોને આપી આ ચેતવણી…

રાજ્યમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે સમગ્ર જિલ્લાઓ માં વરસાદી માહોલ ના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. એવામાં ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે, નદી-નાળા કે, રસ્તાઓ પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહી રહ્યો હોય તે સમયે કોઈ પણ વ્યક્તિ તે રસ્તો ક્રોસ ના કરે અને તેના પર જાય નહીં.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું છે કે, સ્થાનિક તંત્ર દ્વારા અપાતી ચેતવણી કે પછી સૂચનાઓનું તમે સૌ પાલન કરશો. બચાવ-રાહત ની કામગીરીમાં તંત્રને સંપૂર્ણ સહયોગ કરો તેવી આગ્રહભરી તમને અપીલ કરું છું. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે આપણે સૌ સાવચેત રહો, સાવધાન રહો, પાણીના સ્ત્રોતો થી દૂર બન્યા રહો.

તેની સાથે તમને જણાવી દઈએ કે, ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં ભારે વરસાદ થી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટર, તેમજ મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારો માંથી લોકોને સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરવાની થઈ રહેલી કામગીરી અંગે જાણકારી મેળવવામાં આવી હતી. લોકોના જાનમાલ ની સલામતી સાથે પશુધનના રક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપીને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સિવાય જ્યાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, કે ઝાડ પડી જવાના લીધે રસ્તા બ્લોક થયા છે ત્યાં સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નો પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી છે. જ્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRF ની 13 અને SDRF ની 22 ટીમ તૈનાત કરવામાં આવેલ છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,800 થી વધુ લોકોનું સ્થળાંતર તેમજ 1650 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે સંદર્ભે સ્થિતિ પર સતત નજર રાખીને સજ્જ રહેવા કલેકટરોને તાકીદ કરવામાં આવ્યા છે. ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્ર નું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપવામાં આવેલ જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.